ભારતીય હિન્દુ સમાજમાં કુળદેવીનું અનોખું મહત્વ છે. આજની તારીખે છેલ્લી બે-ત્રણ કે ચાર પેઢીથી મોટા શહેરો કે પરદેશમાં સ્થાયી થયેલા લોકો જીવનમાં ભાગ્યે જ વતનમાં જતા હોય છે.પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે અચૂક એકવાર કુળદેવીને દંડવત પ્રણામ એટલે કે પગે પડવા જતા હોય છે.
આપણે કુળદેવી સમક્ષ પ્રાર્થના કરીને વિનંતી કરતા આવીએ છીએ કે હે…માં, અમારું રક્ષણ કરજો. કુળદેવી માતા આપણા કુળનું રક્ષણ કરતી હોય છે.જુના જમાનામાં જ્યારે ભાગ્યે જ કોઈ લોકો પોતાનું વતન છોડીને તીર્થસ્થળની યાત્રાએ જતા હતા ત્યારે આ કુળદેવી જ જીવનના તમામ પ્રસંગોમાં જાણે આશીર્વાદ અને શુભેચ્છા આપતી હતી…સો-બસો- પાંચસો વર્ષ પહેલા બહુ જૂજ ગામડામાં મંદિરો હતા. મોટેભાગે તો કુળદેવીની દેરી રહેતી. જિંદગીમાં સુખ કે દુઃખમાં કુળદેવી જ એકમાત્ર આશરો રહેતી. ટૂંકમાં કહેવાનો મતલબ એક એક કુળદેવીનું સદીઓથી ભારતીય સમાજમાં ખૂબ મહત્વ રહ્યુ છે. હવે આજના ડિજિટલ યુગમાં ઉજળીયાત કોમમાં એનું મહત્વ ઓછું થતું જાય છે. જ્યારે હજી પણ આદિવાસી વિસ્તાર કે પછાત વિસ્તાર કે રાજસ્થાન તેમજ હિન્દીભાષી પ્રદેશોમાં કુળદેવીનું મહત્વ છે. આપણા ગુજરાતના કાઠિયાવાડમાં પણ લોકો ભલે પરદેશ વસતા હોય પણ વર્ષે બે વર્ષે કે ત્રણ વર્ષે ભારત આવે ત્યારે કુળદેવીને પગે પડવા માટે તો અચૂક આવે છે.